અ’વાદ: મહિલાનાં મોંઢામાં ડૂચો મારી હત્યા, તિજોરીમાંથી દાગીનાની લૂંટ

October 13, 2017 - maya sindhav

No Comments

પહેલાં હુમલો કર્યો પછી સ્ટોર રૂમમાં ઢસડી ગયા, જાણભેદુનો હાથ હોવાની શંકા

પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા

 

અમદાવાદ: આંબાવાડીમાં આ‌વેલા કેશવબાગ પાર્ટી પ્લોટ પાસેના વિદ્યાનગર ફ્લેટમાં ધોળા દિવસે વૃદ્ધાની હત્યા અને લૂંટની ઘટના બની છે. ગુરુવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ 60 વર્ષીય મીનાબેન જોગ ઘરે એકલાં હતાં ત્યારે લુટારા ઘરમાં ઘૂસી ગયા હતા. મીનાબેન પર હુમલો કરી મોંઢામાં ડૂચા મારી સ્ટોર રૂમમાં લઈ ગયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. લુટારા અેકથી વધુ હોવાની શંકા છે.
કેશવબાગ પાર્ટી પ્લોટ પાસેના વિદ્યાનગર ફ્લેટમાં બપોરે 4 વાગ્યાની ઘટના
મીનાબેનની હત્યા પછી બંગડીઓ ઉતારી લીધી હતી અને તિજોરી ખોલી દાગીના પણ લૂંટી ગયા હતા. મીનાબેનના પતિ ઘરે આવ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ હત્યા-લૂંટમાં કોઈ જાણભેદુનો હાથ છે. વિદ્યાનગર ફ્લેટમાં રહેતા નારણભાઈ જોગ અને તેમના પત્ની મીનાબેન નિવૃત્ત જીવન વિતાવે છે. છેલ્લા 25 વર્ષથી તેઓ અહીં રહે છે અને તેમનો દીકરો શેખર અને પુત્રવધૂ અલગ રહે છે. ગુરુવારે બપોરે નારણભાઈ શાકભાજી લેવા ગયા હતા અને મીનાબેન ઘરે એકલાં હતાં.
છ વાગ્યે જ્યારે નારણભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર આવીને જોયું ત્યારે તેમના પત્ની મીનાબેન સ્ટોરરૂમમાં લોહીથી લથપથ સ્થિતિમાં ઢળી પડેલાં જોવાં મળ્યાં હતાં.નારણભાઈ ઘરની સામેની દુકાને પહોંચ્યા હતા અને ત્યાં હાજર મહિલા પ્રજ્ઞાબેન ગાલાની મદદ માંગી હતી. પુન: ઘરમાં પહોંચ્યા અને નજીકથી જોયું ત્યારે મીનાબેનના મોંઢામાં ડૂચો મારેલો હતો લોહી નીકળતું હતું. મીનાબેનના હાથમાં પહેરેલી બે બંગડી, મંગળસૂત્ર દેખાયા ન હતા અને તિજોરી ચાવી વડે ખોલીને તેમાંથી દાગીના ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું.નારણભાઈએ તરત પોલીસ બોલાવી હતી.
 ઘટના સ્થળે લોકો ભેગા થયા
ડોગ મેઈન ગેટ સુધી પહોંચ્યો, CCTV નથી
પોલીસ ડોગ ઘરથી વિદ્યાનગર ફ્લેટના મેઈન ગેટ સુધી પહોંચ્યો હતો. બીજીતરફ, સોસાયટી વર્ષો જૂની છે અને અહીં સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ પણ નથી. સોસાયટીમાં કુલ 294 મકાનો છે. તેમાંથી 40 જેટલા ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ છે. સ્થાનિક રહીશ સંજય જોષીએ કહ્યું, પીજીને કારણે વખતોવખત અહીં તકરારના કિસ્સા પણ બન્યા છે.
મૃતક મીનાબેનપહેલાં હુમલો કર્યો પછી સ્ટોર રૂમમાં ઢસડી ગયા, જાણભેદુનો હાથ હોવાની શંકા
હત્યા-લૂંટમાં એકથી વધુની સંડોવણીની શંકા
ઘટના જે રીતે બની છે તે જોતા જાણભેદુ હોવાની શંકા વધુ છે. દરવાજો કોઈ પરિચિત વ્યક્તિએ ખખડાવ્યો છે અને મીનાબેને ખોલ્યો છે અને પછી મોંઢામાં ડૂચો મારી મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે. હત્યા અને લૂંટમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણી લાગે છે. શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ નિપજાવ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. > એમ.એમ.જાડેજા, પોલીસ ઈન્સ્પેક્ટર, વસ્ત્રાપુર પોલીસમથક

maya sindhav

Leave a comment

Your email address will not be published. Required fields are marked *