દિલીપકુમારના પાલી હિલના બંગલાની જગ્યાએ બહુમાળી ઇમારતમાં બનશે મ્યુઝિયમ

October 13, 2017 - nirmal acharya

No Comments

બાન્દ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલા દિલીપકુમારના બંગલાને સ્થાને હવે એક બહુમાળી ઇમારત બનશે એટલું જ નહીં તેમાં દિલીપકુમારની બોલિવુડની કારકિર્દીને સર્મિપત મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. ગયા મહિને સર્વોચ્ચ અદાલતે દિલીપ કુમાર અને પ્રાજિતા ડેવલપર્સ પ્રા.લિ. વચ્ચે ચાલી રહેલાં વિવાદમાં દિલીપકુમારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેના પગલે હવે આ મોકાની જગ્યાને મેસર્સ બ્લેક રોક દ્વારા વિકસાવવામાં આવશે. આ કંપની જાણીતા રેસ્ટોરિએટર(બડાસાબ અને હાક્કાસન ફેમ) કિશોર બજાજ અને તેમના બ્રધર ઇન લો અજય આશર દ્વારા ચલાવવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર બ્લેક રોક દ્વારા પ્રાજિતાને આ જગ્યા ખાલી કરવા માટે ૨૦ કરોડ રૃપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. રિડેવલપમેન્ટ બાદ દિલીપકુમાર અને તેમની પત્ની સાયરાબાનુ આ બિલ્ડિંગના ૫૦ ટકા હિસ્સા પર માલિકી ધરાવશે. આ પ્રોપર્ટીને હવે બ્લેક રોક દ્વારા વિકસાવવામાં આવશે તે બાબતને સમર્થન આપતાં સાયરાબાનુએ જણાવ્યું હતું કે દિલીપસાબ આ સંપત્તિના માલિક છે અને ડેવલપર્સ પણ રિડેવલપડ સંપત્તિમાં તેમનો હિસ્સો ધરાવશે, પછી તે રહેઠાણ હોય કે તેઓ જે ઇચ્છતા હોય તે.

દિલીપકુમાર સાથેનો કરાર વિશ્વાસ પર આધારિત હોવાનું જણાવી આશરે ઉમેર્યું હતું કે મૂળ તો આ કરાર દિલીપ કુમાર અને સાયરાજીની સંપત્તિ વિશેની પીડા અને પરેશાની દૂર કરવાની એક રીત છે. કિશોર બજાજે જણાવ્યું હતું કે દિલીપ સાબનંુ સ્વપ્ન તેમની હયાતીમાં જ પુરૃ કરવાના હેતુ સાથે આ પ્રોજેક્ટને બને એટલો ઝડપથી પૂરો કરવામાં આવશે.

મામલો ક્યાં ગૂંચવાયો હતો ?

અગાઉ દિલીપ કુમારે આ પ્રોપર્ટી ડેલવપ કરવા માટે ૨૦૦૬-૦૭માં પહેલીવાર શ્રેયાંસ ડેવલપર્સ સાથે કરાર કર્યા હતા. આ ડેવલપમેન્ટ રાઇટ ૨૦૧૦માં પ્રાજિતા ડેવલપર્સને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તમામ પરવાનગીઓ મળી ગયા પછી પણ એક વર્ષ બાદ કોઇ કામ શરૃ ન થતાં દિલીપકુમારે નાખુશી વ્યક્ત કરી હતી. દિલીપકુમાર કરાર રદ કરશે એવા ભયે પ્રાજિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જાન્યુઆરી ૨૦૧૬માં અદાલતે પ્રાજિતાને સંપત્તિનો કબજો દિલીપકુમારને પાછો સોંપવા જણાવ્યું હતું. જેની સામે પ્રાજિતાએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે ગયા મહિને પ્રાજિતાને ૨૦ કરોડ રૃપિયાની ચુકવણી થાય તે પછી સંપત્તિનો કબજો દિલીપકુમારને પરત કરવાનો આદેશ આપ્યો હતો.

No tags for this post.

nirmal acharya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *