ઝારખંડ/ ગેંગરેપ પીડિતા હેન્ડપમ્પથી પાણી ભરે તો તેને ધોઈને લોકો ઉપયોગ કરે છે

December 8, 2018 - Anchal Chaturvedi

No Comments

ઝારખંડમાં 62 દુષ્કર્મ પીડિતા સાથે ભાસ્કર ટીમે વાત કરી, 66%નો કરાયો છે સામાજિક બહિષ્કાર

 

આજે સમગ્ર દુનિયામાં ‘મી ટૂ’ કેમ્પેઈન દરમિયાન મહિલાઓ તેમની સાથે થયેલા શોષણને જાહેર કરીને સાહસિક પગલું લઈ રહી છે. ત્યારે આ સંજોગોમાં ભાસ્કર ટીમે તે યુવતીઓ અને સગીરાઓની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો જેમણે દુષ્કર્મ પછી આરોપીઓને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે. આ દરમિયાન ઘણી વરવી હકીકત પણ સામે આવે છે. ભાસ્કર ટીમે ઝારખંડમાં 62 દુષ્કર્મ પીડિતાઓ સાથે વાત કરી હતી અને તેમાંથી 66 ટકા પીડિતાનો સમાજે બહિષ્કાર કર્યો હોવાની વાત સામે આવી છે. અહીં એક છોકરીની હાલત તો એવી છે કે, જો તે છોકરી ગામમાં હેન્ડપમ્પ પર પાણી ભરવા જાય તો લોકો તે હેન્ડપમ્પ પણ ધોઈને વાપરે છે.

અહીં 16 વર્ષની પરી (કાલ્પનિક નામ) છેલ્લાં અઢી વર્ષથી ઘરમાં કેદ છે અને ખૂબ જ ઓછુ બોલે છે. તેની સ્કૂલ છૂટી ગઈ છે. કારણ કે ટીચર્સ તેને બાકીના બાળકો સાથે બેસાડવા માટે તૈયાર નથી. ઘરથી અમુક અંતરે આવેલા હેન્ડપમ્પ પરથી પણ લોકો તેને પાણી નથી ભરવા દેતા. જો પરી તે હેન્ડપમ્પ પરથી પાણી ભરે તો ગામના લોકો પહેલાં તે હેન્ડપમ્પ ધોવે છે અને પછી તેને વાપરે છે. આમ ગામમાં તેની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવે છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણકે ગામના પાંચ યુવકોએ પરી સાથે દુષ્કર્મ કર્યું હતું.

બધા આરોપીઓ જુવેનાઈલ હતા, તેથી દોઢ મહિનામાં તો જેલની બહાર આવી ગયા

કાયદા પ્રમાણે સજા દુષ્કર્મીઓને મળવી જોઈએ પરંતુ અહીં સમાજની નજરમાં પરી દોષિત છે. દુષ્કર્મ પછી પરીએ એક દીકરીને જન્મ પણ આપ્યો છે. પરંતુ આગંણવાડીની સેવિકાઓએ પોલિયો સહિત જન્મ પછીની જરૂરી રસી પણ તે બાળકીને આપી નથી. તેમણે બાળકીના પિતાનું નામ ન હોવાથી તેને રસી ન આપી હોવાનું કારણ જણાવ્યું છે. પરી સાથે દુષ્કર્મ કરનાર દરેક આરોપીઓ જુવેનાઈલ હોવાના કારણે તેઓ તો માત્ર દોઢ મહિનામાં જ જેલમાંથી છૂટી ગયા છે પરંતુ પરીને જાણે આ જીવન કારાવાસની સજા મળી ગઈ છે. 2015માં પાંચ છોકરાઓએ પરીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પરી માત્ર 13 વર્ષની જ હતી અને ગામમાં આવેલી એક સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી હતી. આરોપીઓમાંથી ચાર છોકરાઓતો તેની સાથે જ ભણતા હતા. આરોપીઓના પરિવારજનો પણ પરીનો બહિષ્કાર કરી રહ્યા છે.

Anchal Chaturvedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *