ભારત: પાકિસ્તાન પહેલા તેની ડુબતી નૈયા સંભાળે, પછી કાશ્મીર મામલે દખલ કરે

October 23, 2018 - krishana trivedi

No Comments

આર્થિક સંકટોની મહામારીથી ઘેરાયેલા પાકિસ્તાને ફરી એક વાર ચાદર બહાર પગ ફેલાવીને કાશ્મીર મામલે ભારત પર પ્રહારો કરવા પ્રયત્નો કર્યા હતા. પાકિસ્તાન નવી સરકારના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાનું સાચું રૂપ બતાવી ટ્વીટ કરી હતી કે IOK(India Occupied Kashmir)માં  ભારત નિર્દોષ કાશ્મીરીઓની હત્યા કરી રહ્યું છે.

આ મામલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કડક શબ્દોમાં પાકિસ્તાનની નિંદા કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનને લોકોની ભલાઇ કરવી હોય તો પહેલા પોતાની ધરતી પર વિકસી રહેલા આતંકવાદનો નાશ કરે. કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા, જેની વિરોધમાં પાકિસ્તાનના વડાપ્રધાને ટ્વીટ કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ મામલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા અપાયેલું નિવેદન ખૂબ જ નિમ્ન કક્ષાનું છે. ભારતના આંતરિક મામલાઓ પર ટીકાઓ કરવાને બદલે પાકિસ્તાનની સરકારે પોતાની અંદરના મામલાઓ પર ધ્યાન આપવું જોઇએ. પાકિસ્તાને આ મામલે લોકોનું ભલુ કરવું હોય તો પહેલા તેણે પોતાના દેશમાં આકાર લઇ રહેલા આતંકવાદનો ખાત્મો કરવો જોઇએ. પાકિસ્તાન ભારત અને અન્ય પાડોશી દેશોમાં આતંકવાદને ફેલાવી રહ્યું છે. આતંકવાદ અને હિંસાને સમર્થન આપતા પાકિસ્તાનના કૃત્યોએ સમગ્ર વિશ્વ સામે તેની પોલ ખોલી નાંખી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરી હતી કે અમે IOK(ભારતના કાશ્મીર)માં નિર્દોષ કાશ્મીરીઓની હત્યાની નિંદા કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે ભારતે સમજી લેવું જોઇએ કે કાશ્મીર મામલે નિવારણ લાવવા  વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે. જેમાં UN SCનો પ્રસ્તાવ અને કાશ્મીરીઓની ઇચ્છાનો સમાવેશ થયો હોવો જોઇએ. આ પહેલા પણ પાકિસ્તાન વડાપ્રધાન આતંકવાદના સમર્થનમાં નિવેદનો આપી ચૂક્યા છે.

વિતેલા દિવસોમાં પાકિસ્તાનના વાતચીત પ્રસ્તાવને ભારતે રદ કર્યો હતો. કારણ કે બન્ને બાજુ ઢોલ વગાડતા પાકિસ્તાને વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બીજી તરફ તેના જ આતંકવાદીઓ દ્વારા ભારતીય સૈનિકોની નિર્દયતાથી હત્યાઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાને આતંકવાદી બુહરાન વાનીના સમર્થનમાં ટપાલ ટિકિટો પણ જાહેર કરી હતી. જેના વિરોધમાં ભારતે તેની સામે કડક વલણ અપનાવ્યું હતું.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *