પાકિસ્તાનનાં પંજાબમાં ભીષણ રોડ અકસ્માત, એક જ પરિવારનાં 13 લોકો સહિત 20નાં મોત

October 23, 2018 - krishana trivedi

No Comments

પાકિસ્તાનનાં પંજાબમાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ભયાનક રોડ અકસ્માતમાં એક જ પરિવારનાં ૧૩ સભ્યો સહિત ૨૦ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોમાં ઘણા બધા લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, પંજાબમાં બે યાત્રીઓથી ભરેલી બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં ૨૦ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પંજાબમાં ઈમરજન્સી સેવાઓ આપનારી ‘રેસ્ક્યૂ ૧૧૨૨’ની પ્રવક્તા દીબા શહનાઝે જણાવ્યું કે, આ દુર્ઘટના પંજાબનાં ડીજી ખાન જિલ્લામાં રવિવારે રાત્રે ઘટી હતી. મુલ્તાનથી આવી રહેલી યાત્રીઓથી ભરેલી બસ સામેથી આવી રહેલી યાત્રીઓની બસ સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં મુલ્તાનનાં એક જ પરિવારનાં ૧૩ સભ્યો છે. આ પરિવારજનો સિંધના સૂફી સંતનાં દર્શન કરવા માટે કરાચી જઈ રહ્યા હતા. રેસ્ક્યૂ ૧૧૨૨નાં જણાવ્યા અનુસાર ૩૦ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ૧૦ યાત્રીઓની સ્થિતી ખૂબ જ નાજુક છે. રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વી અને વડાપ્રધાન ઈમરાન ખાને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ મૃત્યુ પામનારના પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *