એશિયન પેરા ગેમ્સ: તીરંદાજ હરવિન્દરસિંઘનું ગોલ્ડન નિશાન

October 11, 2018 - krishana trivedi

No Comments

ઈન્ડોનેશિયના જાકાર્તામાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન બુધવારે પણ જારી રહ્યું હતું. જેમાં તીરંદાજ હરવિન્દર સિંઘે પુરૂષોની વ્યક્તિગ રિકર્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ટ્રેક એન્ડ ફિલ્ડમાં પણ ભારતને સફળતા મળી હતી. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતે અત્યાર સુધી એશિયન પેરા ગેમ્સમાં 7 ગોલ્ડ, 13 સિલ્વર અને 17 બ્રોન્ઝ સહિત કુલ 37 મેડલ જીત્યા છે. જ્યારે ચીને 100 ગોલ્ડ સાથે પ્રથમ અને સાઉથ કોરિયા 35 ગોલ્ડ સાથે બીજા સ્થાને છે..

મોનુ ઘાંગસે પુરૂષોની ડિસ્ક્સ થ્રોની એફ11 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે મોહમ્મદ યાસરે પુરૂષોની શોટપૂટ સ્પર્ધાની એફ46 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બુધવારે હરવિન્દર સિંઘ સ્ટાર રહ્યો હતો. તેણે ડબલ્યુ2/એસટી કેટેગરીની ફાઈનલમાં ચીનના ઝાઓ લિશુને હરાવીને ટોચનું સ્થાન મેળવીને ભારતને સાતમો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ડબલ્યુ2 કેટેગરીમાં એવા એથ્લેટ્સ ભાગ લે છે જેમના બંને પગમાં ઘૂંટણથી નીચે ખોડ હોય છે અને તેમને વ્હીલચેરની જરૂર પડે છે. જ્યારે એસટી કેટેગરીમાં એવા તીરંદાજો ભાગ લે છે જેઓને વધારે ખોડ હોતી નથી અને તેમને વ્હીલચેરની જરૂર પડતી નથી..

ટ્રેક એન્ડ ફિલ્ડમાં મોનુએ 35.89 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. તેણે પોતાના ત્રીજા પ્રયાસમાં સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. ઈરાનના ઓલોદ માહદીએ 42.37 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈરાનના એથ્લેટે આ દરમિયાન નવો એશિયન અને ગેમ્સ રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે શોટપૂટમાં યાસરે 14.22 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે કઝાકિસ્તાનના માનસુરબાયેવ રાવિલ (14.66 મીટર)થી પાછળ રહ્યો હતો..

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *