સુરત મહિલા જજના મનસ્વી વર્તન સામે વકીલોએ બંડ પોકાર્યું

October 10, 2018 - krishana trivedi

No Comments

સુરત જિલ્લા કોર્ટમાં મહિલા જજ શિલ્પાબેન કાનાબાર સામે વકીલ મંડળે મોરચો માંડ્યો છે. વકીલ મંડળના કાઉન્સીલના સભ્યોએ મંગળવારે જાહેર કર્યુ હતું કે, મહિલા જજ ન્યાય કરવાને બદલે કેસોના ઝડપી નિકાલ કરવા માટે દબાણ કરી રહ્યા છે, ઉપરાંત વકીલો સાથે અમાનવીય વર્તન કરી રહ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો વકીલ મંડળને મળી છે. એટલે, બાર એસોસિયેશને આગામી શુક્રવારે સામાન્ય સભા બોલાવી જજ સામે હાઇકોર્ટમાં તેમને બરતરફ કરવા માટેની રજૂઆત કરવા અંગેનો નિર્ણય લેવાનું નક્કી કર્યુ છે.

જિલ્લા વકીલ મંડળના પ્રમુખ કિરીટ પાનવાલાની અધ્યક્ષતામાં મંગળવારે કાઉન્સિલના સભ્યોની એક મિટિંગ મળી હતી, તેમાં એવું નક્કી કરાયું હતું કે, સુરત જિલ્લાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શિલ્પાબેન કાનાબાર કુદરતી ન્યાયના સિદ્ધાંતને કોરાણે મૂકી રહ્યા છે. તેમની કોર્ટમાં કામ ચલાવી રહેલા વકીલોએ સંખ્યાબંધ ફરિયાદો કરી છે. જજ તરીકેની તેમની સત્તા બતાવીને અને જેલનો ભય બતાવીને આરોપીઓએ ગુનો કબૂલ ન કરવો હોય તો પણ ગુનો કબૂલ કરાવી લે છે.

વકીલો પોતાના કેસની ભારપૂર્વક રજૂઆત કરવા બંધાયેલા હોય છે, ત્યારે તેઓ પોતાને ન્યુરોસર્જને વધુ પડતો સ્ટ્રેસ લેવાની ના પાડી હોય તેમ જણાવે છે. આ બાબત પણ ન્યાયની આડે આવે છે. એક જજ માટે માનસિક સ્વસ્થતા પણ જરૂરી છે. જજ વકીલોને ઉતારી પાડે છે. તેમનું સદંતર અપમાન કરે છે.

હાઈકોર્ટના ચુકાદાનું કે પરિપત્રનું ખોટું અર્થઘટન કરીને કેસ ચલાવવા મજબૂર કરે છે. આ પ્રકારની ઘણી બધી ફરિયાદો વકીલ મંડળને મળતા વકીલ મંડળની કાઉન્સિલે એવું નક્કી કર્યું છે કે, આગામી 12મી ઓકટોબરના રોજ શુક્રવારે વકીલ મંડળની તાકીદની અસાધારણ સામાન્ય સભા બોલાવવામાં આવે. આ સભામાં જજ કાનાબાર સામે હાઇકોર્ટમાં તેમને ડિસમિસ કરવા માટે રજૂઆત કરવાની અને તેમ ન થાય તો રિટ પિટિશન કરવાની મંજૂરી સામાન્ય સભા પાસે મેળવવા માટેનું નક્કી કર્યું છે.

આ જોતાં હવે શુક્રવારે વકીલ મંડળની સામાન્ય સભામાં શું નિર્ણય લેવાય છે તેની ઉપર સમગ્ર વકીલ આલમની નજર સ્થિર થઈ છે.

……………………..

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *