વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી 23માંથી 17 સિંહોનાં મોત

October 10, 2018 - krishana trivedi

No Comments

ગુજરાતના ગૌરવ સમા ગીરના સિંહોના મૃત્યુના મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને સ્પષ્ટ કર્યું છે કે,‘અમરેલી જિલ્લાની દલખાણિયાની સબ રેન્જ સરસિયામાં મૃત્યુ પામેલાં 23 પૈકી 17 સિંહનાં મોત વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થયાં હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સામે આવ્યું છે.

 ઇન્ફેક્શનના લીધે તેમના લીવર ફેઇલ્યોર અને શ્વસનતંત્ર બંધ થઇ જતાં તેમનું મોત થયું હતું. ત્રણ સિંહો સામસામેની લડાઇમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ત્રણ સિંહોનાં મોતના કારણ હજુ સુધી અનિશ્ચિત છે. આ વિસ્તારના ત્રણ સિંહોને જસાધાર રેસ્ક્યૂ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા છે.’ આ કેસની વધુ સુનાવણી હવે બુધવારે હાથ ધરાશે.  

સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઇ જાનીએ બંને સોગંદનામા રજૂ કર્યા હતાં. જેમાં જણાવ્યું હતું કે,‘ગીર વન વિસ્તાર ૧૮૮૮ ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં કુલ ત્રણ જિલ્લામાં ૧૬ રેન્જ છે. અહીંની દલખાણિયા રેન્જની સબ રેન્જ સરસિયામાં જ ૨૩ સિંહના મોત વાયરસ-બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે થયાં હતાં. અમરેલી, જૂનાગઢ અને ગીર જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ વાયરસ ફેલાયો નથી. હાલ સાવચેતીના ભાગરૂપે ૩૩ સિંહને સરસિયા રેન્જમાંથી ખસેડીને રેસ્ક્યુ સેન્ટર લઇ જવાયા છે. જે પૈકી ૩૧ સિંહો જામવાળા સેન્ટર અને બે બાબરકોટ સેન્ટરમાં ખસેડાયા છે. તેમને જરૂરી સારવાર અપાઈ રહી છે. ૫૫૦ ફોરેસ્ટ ગાર્ડ અને અધિકારીઓ સિંહોનો સરવે અને ઓબ્ઝર્વ કરી શોધી રહ્યાં છે કે તેઓ કોઇ માંદગીનો ભોગ બન્યા ન હોય. ૩૦૦૦ કિ.મી. વિસ્તારમાં ૬૦૦થી વધુ સિંહનો સરવે અને તપાસ કરવામાં આવી છે.’

સરકારે પ્યુરવેક્સ ફેરેટ ડિસ્ટેમ્પર વેક્સિન અમેરિકાથી મગાવી છે. જુદા પાડવામાં આવેલાં સિંહોને નિષ્ણાત તબીબોની દેખરેખમાં વેક્સિન અપાઇ છે. તે ઉપરાંત ગીર વિસ્તારના જે સાત ગામોમાં સિંહોનું મૃત્યુ થયું છે તે વિસ્તારના ઢોર, કૂતરાં સહિતના જાનવરોને પણ વેક્સિન આપવામાં આવી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *