રાફેલ ડીલમાં કેન્દ્રને ખરીદી પ્રક્રિયાની માહિતી આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

October 10, 2018 - krishana trivedi

No Comments

રાફેલ સોદા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે યુદ્ધ વિમાનની ખરીદી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતોની માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સીલબંધ કવરમાં આ પ્રક્રિયાની તમામ વિગતો આપવા આદેશ કર્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે ફ્રાન્સની કંપની દાસોલ્ટ સાથે વિમાન ખરીદવા નક્કી થયેલી પ્રક્રિયાની વિસ્તૃત માહિતી કેન્દ્ર પુરી પાડે. રાફેલ સોદાના કેસમાં થયેલી પીઆઈએલ અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાણવી 29 ઓક્ટોબરના થશે. રાફેલ સોદાની કિંમત જણાવવા કોંગ્રેસ ભારે ધમપછાડા કરી રહી છે ત્યારે વકીલ દ્વારા કરાયેલી એક પીઆઈએલમાં આ વિમાનની ખરીદ કિંમત તેમજ એનડીએ અને યુપીએ શાસનકાળમાં કિંમતના તફાવતની વિગતો કેન્દ્રે જણાવે તેવી દાદ માંગવામાં આવી છે. રાફેલ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રાફેલ મામલે કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોઈ નોટિસ આપ્યા વગર આ વિગતો જણાવવા આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ ડિફેન્સ ફોર્સ માટે રાફેલ વિમાનોની યોગ્યતા પર કોઈ મત નથી જણાવી રહ્યા. બેન્ચે કહ્યું કે, ‘અમે કેન્દ્રને નોટિસ નથી જાહેર કરી રહ્યા, અમે ફક્ત નિર્ણય લેવા અંગેની પ્રક્રિયાની કાયદેસરતાથી સંતુષ્ટ થવા માગીએ છીએ.’ બેન્ચે એમ પણ ઉમેર્યું કે, તેઓ રાફેલની ટેક્નિકલ વિગતો અને કિંમતો વિશે માહિતી નથી માગી રહ્યા.

સુપ્રીમ કોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે રક્ષા મંત્રી નિર્મલા સિતારમન ત્રણ દિવસની ફ્રાંસ મુલાકાત માટે આજે રાત્રે રવાના થશે. તેમની આ યાત્રા ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશન પાસેથી 36 યુદ્ધ વિમાનની ખરીદી માટે થઈ રહેલા વિવાદ વચ્ચે યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિતારમન તેમના સમોવડા એવા ફ્રાન્સના ફ્લોરેન્સ પાર્લીને મળીને બન્ને દેશો વચ્ચે ટેક્નિકલ સંબંધો વધુ ગાઢ બનાવા ચર્ચા કરી શકે છે તેમજ પરસ્પર હિત તેમજ ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરશે.

સૂત્રોના મતે રક્ષામંત્રી નિર્મલ સિતારમન ફ્રાન્સની દાસોલ્ટ એવિએશન પાસેથી રૂ. 58,000 કરોડમાં રાફેલ યુદ્ધ વિમાન પૂરા પાડવાના સોદામાં પ્રગતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં 10 એપ્રિલ 2015માં તત્કાલિન ફ્રાન્સ પ્રેસિડેન્ટ ફ્રાન્કોસિસ ઓલાન્દે સાથે વાતચીત કર્યા બાદ 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરાઈ હતી. 23 સપ્ટેમ્બર 2016ના આ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *