સુરત: ચાર વિદ્યાર્થિનીઓને અડપલાં કરનાર ટ્યૂશન શિક્ષકને માર મારી પોલીસ હવાલે કરાયો

October 7, 2018 - neha maheriya

No Comments

સુરતઃ ‘મમ્મી, મારે હવેથી ટ્યૂશનમાં નથી જવું’ આવી વાત 10 વર્ષની પુત્રીએ જ્યારે તેની માતાને કહી ત્યારે માતા પણ ચોંકી ઉઠી. અત્યારના સમયમાં ભણતરની ખૂબ કિંમત વધી છે તેવા સમયે પાંચમા ધોરણની વિદ્યાર્થિની ટ્યૂશનમાં જવાની ના પાડતા માતાએ તેના માથે હાથ ફેરવીને પૂછ્યું બેટા, શા માટે નથી જવું? પુત્રીએ જે જવાબ આપ્યો તેમાંથી ટ્યૂશન શિક્ષકના ગોરખધંધાનો પર્દાફાશ થયો. બન્યું એવું કે આ ટ્યૂશન શિક્ષક પાંચમા ધોરણની વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલાં કરતો હતો. એક નહીં પણ ચાર ચાર વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાંની વિગતો બહાર આવી. આખરે ચારેય વિદ્યાર્થિનીઓના વાલીઓએ જાગૃતિ દાખવી આ ટ્યૂશન શિક્ષક સામે ગુનો નોંધાવવાની હિંમત કરી. ટ્યૂશન શિક્ષકને લઇને વાલીઓએ અમરોલી પોલીસને હવાલે કર્યો હતો.

મોટા વરાછામાં રહેતા 49 વર્ષીય કાંતિ રૈયાણીના કરતૂતોની આ વાત છે. જે પાંચમા ધોરણની વિદ્યાર્થિનીઓને ટ્યૂશન કરાવતો હતો. પાંચ-છ વિદ્યાર્થિનીઓને બે કલાક સુધી ટ્યૂશન કરાવનારા કાંતિએ દસ વર્ષની બાળકીઓને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. અન્ય વિદ્યાર્થિનીઓને લેશનમાં વ્યસ્ત રાખી આ કાંતિ રૈયાણી પોતાની મેલી મૂરાદ પાર પાડતો હતો. ધીમે ધીમે તેણે એક પછી એક એમ કુલ ચાર વિદ્યાર્થિનીઓને અડપલાં કરવાનું શરૂ કર્યું.

એક વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે પહેલા આ શિક્ષકને લઈ ચારેય વાલીઓ કાપોદ્રા પોલીસ મથક પર પહોંચ્યા હતા. જ્યાંથી આ મામલો જે જગ્યાએ બન્યો તે અમરોલી પોલીસ મથકની હદમાં હોવાનું જણાવતા શિક્ષકને લઈ અમરોલી પોલીસ મથક પર પહોંચ્યા હતા. જ્યાં ટ્યૂશન શિક્ષક કાંતિ રૈયાણી સામે ગુનો નોંધાવી તેને પોલીસને હવાલે કર્યો હતો.એક વાત એ પણ છે કે પોતાની દસ વર્ષની પુત્રી સાથે અડપલાં કરનારા ટ્યૂશન શિક્ષકના આવા ગોરખધંધાથી રોષે ભરાયેલા વાલીઓએ ટ્યૂશન શિક્ષક કાંતિ રૈયાણીને માર માર્યા બાદ પોલીસને સોંપ્યો હતો.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *