આયુષમાન ભારત યોજનાનો પ્રારંભ, ૫૦ કરોડ ભારતીયને લાભ

September 24, 2018 - Himalaya

No Comments

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી મહત્ત્વાકાંક્ષી આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

આયુષમાન ભારત યોજનાને ગરીબોની સેવા માટેનું ગેમચેન્જર પગલું ગણાવતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશનાં દરિદ્રનારાયણની સેવાની દિશામાં પગલું ભરાયું છે. કેટલાંક લોકો આ યોજનાને મોદીકેરનું નામ આપે છે, તો કેટલાંક તેને ગરીબો માટેની યોજના કહે છે. ચોક્કસપણે આ ગરીબો માટેની જ યોજના છે. ૫૦ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને આવરી લેનારી આ યોજના વિશ્વની સૌથી મોટી સરકારી સહાયથી ચાલતી યોજના બની રહેશે. આયુષમાન ભારતના લાભાર્થીઓની કુલ સંખ્યા અમેરિકા, મેક્સિકો અને કેનેડાની કુલ વસતી કરતાં વધુ રહેશે. સમગ્ર વિશ્વનાં સંગઠનો અભ્યાસ કરવા માગે છે કે, સરકાર આટલી મોટી યોજનાને આર્થિક સહાય કેવી રીતે આપી રહી છે. હું જનતાને યોજનાનો હેલ્પલાઇન નંબર મોઢે કરી લેવા વિનંતી કરું છું. આયુષમાન ભારતનો હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ છે. દરેકે તે યાદ કરી લેવો જોઈએ.

Image result for AYUSHMAN BHARAT YOJANA

વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ગરીબોની સાથે સાથે અમીર પરિવારોને પણ આરોગ્યસુવિધા પ્રાપ્ત થશે.

સરકાર ઋષિમુનિઓનાં સદીઓ જૂનાં સપનાંને સાકાર કરવા માગે છે. સમાજની છેવાડાની વ્યક્તિને પણ સારવાર મળવી જોઈએ. વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષોએ હંમેશાં ગરીબોને મતબેન્ક તરીકે જ જોયાં છે. ચૂંટણીઓ જીતવા માટે તેમના તરફ મફત સુવિધાઓની લાલચ ફેંકતા રહ્યા છે. આયુષમાન ભારત યોજના ધર્મ, જાતિ કે સંપ્રદાયના આધારે નથી, તેમાં ઊંચનીચનો કોઈ ભેદભાવ નથી. ન્યૂ ઈન્ડિયા સ્વસ્થ રહે, ન્યૂ ઈન્ડિયા સશક્ત બને, તમે બધા તંદુરસ્ત અને આયુષમાન રહો એ જ મારી શુભેચ્છા છે.

૮૫.૯ ટકા ગ્રામીણ અને ૮૨ ટકા શહેરી પરિવારો આરોગ્યવીમાથી વંચિત

આરોગ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર ૭૧મા નેશનલ સેમ્પલ સરવે મુજબ ૮૫.૯ ટકા ગ્રામીણ અને ૮૨ ટકા શહેરી પરિવારો પાસે આરોગ્યવીમો જ નથી. ૨૪ ટકા ગ્રામીણ અને ૧૮ ટકા શહેરી પરિવારોને સારવાર માટે દેવું કરવું પડે છે. યોજનાના કર્તાહર્તા અને નીતિઆયોગના સભ્ય વી. કે. પોલ કહે છે કે, યોજનાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર પર રૂપિયા ૩,૫૦૦ કરોડનો બોજો પડશે, જેમાં ૬૦ ટકા કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા રાજ્ય સરકાર યોગદાન આપશે.

કોરોનરી બાયપાસ, ની રિપ્લેસમેન્ટ અને સ્ટેન્ટિંગ જેવી ૧,૩૫૪ સારવારનાં પેકેજ

આરોગ્યમંત્રાલયે આ યોજનામાં કોરોનરી બાયપાસ, ની રિપ્લેસમેન્ટ અને સ્ટેન્ટિંગ જેવી ૧,૩૫૪ સારવારનાં પેકેજનો સમાવેશ કર્યો છે. આ યોજનામાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના કરતાં પણ ૧૫-૨૦ ટકા સસ્તા દરે સારવાર અપાશે. લાભાર્થીઓને હોસ્પિટલમાં જ કેશલેસ અને પેપરલેસ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. લાભાર્થીઓ ૧૩,૦૦૦ જેટલી સરકારી અને યાદીમાં સમાવાયેલી ખાનગી હોસ્પિટલોમાં ૧,૩૫૪ બીમારીની સારવાર મેળવી શકશે.

૧૦ કરોડ પરિવારોને રૂ. પાંચ લાખનો આરોગ્યવીમો અપાશે

આયુષમાન ભારત યોજના અંતર્ગત દેશના ૧૦ કરોડ પરિવારોને એટલે કે અંદાજિત ૫૦ કરોડ નાગરિકોને વાર્ષિક રૂપિયા પાંચ લાખના આરોગ્યવીમાનાં કવચનું રક્ષણ અપાશે. સોશિયો-ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટા અનુસાર આ યોજનામાં ૮.૦૩ કરોડ ગ્રામીણ અને ૨.૩૩ કરોડ શહેરી પરિવારોનો સમાવેશ કરાશે.

૨૦૧૯ માટે PM મોદીએ જુગાર રમી કાઢયો

આયુષમાન ભારત યોજનામાં ગ્રામીણ અને શહેરી એમ તમામ ગરીબ પરિવારોનો સમાવેશ કરાયો છે. આ મતબેન્ક ભાજપ અને પીએમ મોદી માટે અત્યંત મહત્ત્વની છે. આમ તો ભાજપ મધ્યમવર્ગ પર સારી પકડ ધરાવે છે પરંતુ પીએમ મોદી આગામી લોકસભાની ચૂંટણીમાં ગરીબ મતદારોનું પણ સમર્થન ઇચ્છે છે, જો આ યોજના કોઈપણ ખામી વિના લાગુ થશે તો એક મોટી મતબેન્ક અંકે કરવામાં પીએમ મોદીનો જુગાર સફળ થશે.

આયુષમાન ભારત – એક નજરે

૧૦ કરોડ પરિવારોના ૫૦ કરોડ સભ્યોને લાભ થશે

૮.૦૩ કરોડ ગ્રામીણ પરિવારોને લાભ મળશે.

૨.૩૩ કરોડ શહેરી પરિવારોને આવરી લેવાશે

૦૫ લાખ રૂપિયાનું વાર્ષિક આરોગ્ય વીમાકવચ

૧૩ હજાર સરકારી અને  ખાનગી હોસ્પિટલોમાં સારવાર

૧,૩૫૪ જેટલી બીમારીની સારવાર આપવામાં આવશે

૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે

૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકારોનાં માથે

૧૪ નવી એમ્સનું નિર્માણ કરાશે

૮૨ નવી સરકારી મેડિકલ કોલેજ બનશે

૧.૫ લાખ વેલનેસ સેન્ટર બનાવવાનું લક્ષ્ય

આ ત્રણ રીતે જાણકારી મેળવી શકાશે

પ્રથમ વિકલ્પ

કેન્દ્ર સરકારે યોજના સંબંધે એક વેબસાઇટ શરૂ કરી છે. તેનું નામ mera.pmjay.gov.in છે. કોઈપણ રાજ્યના કોઈપણ વ્યક્તિ આ વેબની મદદથી પોતાના વિશે જાણકારી મેળવી શકે છે. વેબ હોમપેજ પર પીએમ જન આરોગ્ય યોજના બોક્સ મળતા તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ પર ઓટીપી નંબર આવશે. તે નંબર નાખતાં જ જાણકારી મળી જશે કે તમારું નામ આ યોજના સાથે સંકળાયેલું છે કે નહીં. તે અંગેની જાણકારી મેળવી શકાશે.

બીજો વિકલ્પ   (ફોનનંબર)  

ઇન્ટરનેટ સુવિધા નથી તેના માટે સરકાર દ્વારા હેલ્પલાઈન જારી કરાયો છે. ૧૪૫૫૫ પર ફોન કરીને જાણકારી મેળવી શકાશે કે પોતાનું નામ યોજના સાથે સંકળાયેલું છે કે નહીં.ફોન કરતાં સામેથી કેટલીક જાણકારી માગવામાં આવશે, તે આપ્યા પછી યોજનાનો લાભ મળશે કે કેમ તેની માહિતી મળશે.

ત્રીજો વિકલ્પ   (સૂચિબદ્ધ હોસ્પિ.)

સુચિબદ્ધ હોસ્પિટલ પહોંચીને લોકો જાણકારી મેળવી શકે છે. સૂચિબદ્ધ હોસ્પિટલમાં લોકોની મદદ કરવા સરકારે આરોગ્ય મિત્રની નિમણૂક કરી છે.આરોગ્ય મિત્રનો સંપર્ક કરતાં જ લોકો પોતાનું નામ યોજનામાં છે કે કેમ તે શોધી શકશે.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *